Main Menu

પીએસઆઇ ચાવડા સાપરાધ મનુષ્ય વધ ગુના સાથે સસ્પેન્ડ

રાજકોટ શહેરના એસ.ટી.બસ સ્ટેશનમાં આવેલી પોલીસ ચોકીમાં ગઇકાલે પીએસઆઇ પી.પી.ચાવડાની રિવોલ્વરમાંથી ફાયરિંગ થતાં તેને મળવા આવેલા સ્પા સંચાલક હિમાંશુ ગોહેલ નામના યુવકનું મોત નીપજ્યું હતું. ક્રિકેટ મેચની ટિકિટ ખરીદવા માટે સ્પા સંચાલકને બોલાવ્યાનું અને સર્વિસ રિવોલ્વર નવા કવરમાં નાખતી વખતે ફાયર થઇ ગયાનું ફોજદારે રટણ રટ્યું હતું. સ્પાના ધંધામાં ભાગીદારી મુદ્દે હત્યા થયાનો પરિવારજનોએ આક્ષેપ કરી લાશ સ્વીકારવા ઈન્કાર કર્યો હતો. પીએસઆઇ ચાવડા વિરૂદ્ધ સાપરાધ મનુષ્ય વધની કલમ હેઠળ ગુનો દાખલ કરાયો છે. બીજીબાજુ, હિમાંશુના પિતા દિનેશભાઇએ જણાવ્યું હતું કે, લાશ તો નહીં જ લઇએ, મારા દીકરાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. પરિવીરજનોએ પોલીસ સાથે સિવિલ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. જો કે યોગ્ય ન્યાયની ખાતરી મળતી પરિવારે હિમાંશુનો મૃતદેહ સ્વીકારી લીધો હતો તેવું એસપી એસ.આર. ટંડેલે જણાવ્યું હતું. તો, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે સમગ્ર મામલાની ગંભીરતા ધ્યાને લઇ પીએસઆઇ ચાવડાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા હતા. હિમાંશુના પરિવારજનો સિવિલ હોસ્પિટલમાં લાશ નહીં લેવા માટે અડગ બન્યા હતા. પોલીસ પણ સમજાવી રહી હતી પરંતુ લાશ સ્વીકારવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. મહિલાઓ ચોધાર આંસુએ રડતા રડતા પીએસઆઇ વિરૂધ્ધ રોષ વ્યક્ત કરી મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, અમારા દીકરા, ભાઇને મારી નાંખ્યો છે. મૃતક હિમાંશુના પરિવારે જ્યાં સુધી પીએસઆઇ ચાવડા વિરૂદ્ધ હત્યાનો ગુનો દાખલ કરવામાં નહીં આવે ત્યાં સુધી લાશ નહીં સ્વીકારીએ તેવી માંગ કરી હતી. પીએસઆઇની બેદરકારીને કારણે યુવાનનો ભોગ લેવાયો હોઇ પોલીસે તે અંગેની પણ કલમનો ઉમેરો કરી ગુનો નોંધ્યો છે. બીજીબાજુ, હિમાંશુના પરિવાર દ્વારા આજે પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી ધરણા કરવાની તૈયારી દર્શાવી હતી. પીએસઆઇ ચાવડાને સકંજામાં લઇ પૂછપરછ કરતાં તેણે કેફિયત આપી હતી કે, હિમાંશુ ગોહેલ માલવિયા ચોકમાં આવેલા પ્રમુખસ્વામી આર્કેડના ગ્રાઉન્ડ ફ્‌લોર પર સ્પા ચલાવતો હોઇ તેના પરિચયમાં હતો, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનાર વન-ડે ક્રિકેટ મેચની પાંચ જેટલી ટિકિટ પોતાને ખરીદ કરવી હોવાથી હિમાંશુને ફોન કરીને પોલીસ ચોકીએ બોલાવ્યો હતો. ાંજે ચારેક વાગ્યે રૈયારોડ પરથી પોતે સર્વિસ રિવોલ્વર રાખવાનું નવું પાકીટ (વોલેટ) ખરીદ કર્યું હતું અને જૂના વોલેટમાંથી રિવોલ્વર કાઢી નવા પાકીટમાં નાખી રહ્યા હતા તે વખતે ભૂલથી ફાયરિંગ થઇ ગયું હતું. રિવોલ્વરમાંથી ફાયર થયું એ સમયે જ હિમાંશુએ ચોકીનો દરવાજો ખોલ્યો હતો અને તેના કપાળમાં ગોળી ઘૂસી ગઇ હતી. ફોજદારની રિવોલ્વર પાંચ કાર્ટિસથી લોડેડ હોવાનું ખુલ્યું હતું. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. પરિવારજનોએ હિમાંશુની ગોળી મારી હત્યા જ કરાઇ હોવાનો ગંભીર આક્ષેપ કરતાં સમગ્ર મામલો ગરમાયો હતો.


error: Content is protected !!