Main Menu

વલ્લભીપુર શાખા નહેરમાંથી વહન થતાં પાણીનો અનધિકૃત ઉપાડ – ઉપયોગ થતો અટકાવવા જાહેરનામું પ્રસિધ્ધ

પીવાના પાણીની વ્યવસ્થામાં ભાંગફોડ ઉભી કરી પાણીની વિતરણ વ્યવસ્થા ઉપર વિપરીત અસર પહોંચે તેવા કોઈપણ કૃત્ય કરવા પર પ્રતિબંધ
બોટાદ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ એક જાહેરનામા દ્વારા બોટાદ જિલ્લામાંથી પસાર થતી નર્મદાની વલ્લભીપુર શાખા નહેરમાંથી વહન થતાં પાણીનો અનધિકૃત ઉપાડ – ઉપયોગ થતો અટકાવવા બરવાળા તાલુકાના ૮ ગામો કે જ્યાંથી નર્મદાની વલ્લભીપુર શાખા નહેર પસાર થાય છે તે વિસ્તારને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કર્યો છે. આ જાહેરનામાંમાં જણાવ્યા પ્રમાણે ચાલુ સાલે મધ્ય પ્રદેશમાં નર્મદા નદીના સ્ત્રાવ વિસ્તારમાં ઓછો વરસાદ થતા ગુજરાત રાજ્યને ફાળે ઓછું પાણી આવેલ છે, તેમજ જિલ્લાના અમુક વિસ્તારમાં પીવાના પાણીનાં સંગ્રહ માટે પર્યાપ્ત વરસાદ ન થવાના કારણે અને ઉપરવાસમાંથી પર્યાપ્ત પાણી ન મળેલ હોવાના કારણે મર્યાદિત પાણી ઉપલબ્ધ છે, જેથી આવતા ચોમાસાની ઋતુ સુધીના પાંચ માસના સમયગાળા દરમ્યાન લોકોને પીવાનું પાણી સરળતાથી મળી શકે તે માટે પાણીનો જથ્થો અનામત રાખવાનું ઈચ્છનીય જણાતા બોટાદ જિલ્લામાંથી પસાર થતી નર્મદાની વલ્લભીપુર શાખા નહેરમાંથી વહન થતાં પાણીનો અનધિકૃત ઉપાડ – ઉપયોગ થતો અટકાવી શકાય તેમજ પીવાના પાણીની વ્યવસ્થામાં ભાંગફોડ ઉભી કરી પાણીની વિતરણ વ્યવસ્થા ઉપર વિપરીત અસર પહોંચે તેવા કોઈપણ કૃત્યો થતાં અટકાવી શકાય તે માટે તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના કાપડીયારી, અંકેવાળીયા, ચોકડી, ઢાઢોદર, નભોઈ, નાવડા, પીપરીયા અને વાઢેલા સહિતના ગામોમાંથી પસાર થતી નર્મદાની વલ્લભીપુર શાખા નહેર વિસ્તારને પ્રતિબંધિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવે છે. આ જાહેરનામા અન્વયે પ્રતિબંધિત વિસ્તારમાં ફરજ પરના નર્મદા વિભાગના અધિકારી/કર્મચારી/ પોલીસ અધિકારી/પોલીસ કર્મચારી સિવાય અન્ય કોઈ વ્યક્તિ પ્રવેશી શકશે નહી અને આ શાખા નહેરમાંથી અનઅધિકૃત રીતે પાણી ખેંચવા માટેના મશીનો, બકનળી/સબમર્સીબલ પંપ/ પાઈપલાઈન/ અંડર ગ્રાઉન્ડ પાઈપલાઈનથી કે અન્ય કોઈપણ રીતે પાણી ખેંચી – લઈ શકશે નહિ તેમજ પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જાય તેવું કોઈ પણ કૃત્ય કરી શકશે નહિ. આ જાહેરનામાના કોઈપણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.