Main Menu

ભુંભલીમાં જમીન મામલે અથડામણ

img_9403_29112016_jvd_cmy6c7fimg_9409_29112016_jvd_cmyea63img_9406_29112016_jvd_cmy

 

ભાવનગર તાલુકાના ભુંભલી ગામે આજે મંગળવારે જમીનના મામલે બે સગાભાઈઓ અને તેના માણસો વચ્ચે જૂથ અથડામણ સર્જાઈ હતી. જેના પગલે ભુંભલી ગામમાં હાહાકાર મચી ગયો હતો. લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. જૂથ અથડામણમાં ચાર વ્યક્તિને ગંભીર ઈજા થતાં ભાવનગર દવાખાને ખસેડાયાં હતા. મારામારીના બનાવની જાણ થતાં વરતેજ પોલીસ સ્ટાફ ભુંભલી ગામે દોડી ગયો હતો અને મામલો થાળે પાડી કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હોવાનું જાણવા મળ્યું હતુ. ઉલ્લેખનીય છે કે, આ લખાય છે ત્યારે રાત્રિના ૧૧/૩૦ વાગ્યા સુધીમાં આજના બપોરના ત્રણેક વાગ્યાના મારામારી-જૂથ અથડામણના બનાવની પોલીસ ફરિયાદ નોંધાઈ નહિ હોવાનું વરતેજ પોલીસે ગાણું ગાયા કર્યું હતુ.

જાણવા મળતી વિગત મુજબ ભુંભલી ગામે રહેતાં નીરવભાઈ આહીર અને તેમના સગાભાઈ વિપુલભાઈ આહીર વચ્ચે જમીનના મામલે લાંબા અરસાથી વિવાદ ચાલે છે. દરમિયાનમાં આજે બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં ભાવનગર શહેરના ખેડૂતવાસમાં રહેતા નીરવભાઈ આહીર તથા તેના મિત્ર જીતેશભાઈ ઉર્ફે જીતાભાઈ રાઠોડ આજે મિત્ર નીરવભાઈની વાડીએ ખેતીકામ માટે માણસો લઈને ગયા હતા. જ્યાં મજૂરીકામ માણસો કરતાં હતા. દરમિયાનમાં ભાવનગરના નીરવભાઈ આહીર તથા તેમના સગાભાઈ વિપુલભાઈ આહીર વચ્ચે જમીનના મામલે બોલાચાલી થઈ હતી. જેમાં બન્ને પક્ષના માણસો વચ્ચે ધબાધબી બોલી ગઈ હતી. જે મારામારીમાં ભાવનગરના ખેડૂતવાસમાં રહેતાં સાગરભાઈ રાઠોડ, જગદીશભાઈ વાજા, અર્જૂનભાઈ વાઘેલા અને ભરતભાઈ કાંતિભાઈ જાદવને ગંભીર ઈજા થતાં તમામને સારવાર અર્થે ભાવનગર દવાખાને ખસેડાયાં હતા.

ભુંભલી ગામે મારામારીના બનાવની જાણ થતાં વરતેજ પોલીસ સ્ટાફ તુરંત ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મામલો થાળે પાડયો હતો. જો કે, આ અંગે મોડીરાત્રિના ૧૧/૩૦ વાગ્યા સુધીમાં કોઈ જ પોલીસ ફરિયાદ નોંધાવા પામી નહિ હોવાનું વરતેજ પોલીસે જણાવ્યું હતુ.