



જુનાગઢ2 કલાક પહેલા
કૉપી લિંકસાધુ-સંતોએ વિધિવત પૂજા કરી ધજા ચડાવીપાંચ દિવસ સુધી ગીરનાર સાનિધ્યે ગુંજશે બમ બમ ભોલે નાથનો સાદબે વર્ષ બાદ મેળાની શરૂઆત થતાં શ્રદ્ધાળુઓમાં અનેરો આનંદ
જૂનાગઢ ખાતે ભક્તિ, ભજન અને ભોજનના ત્રિવેણી સંગમ સમા મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ થયો છે. હર હર મહાદેવના ગગનભેદી નારા અને ધ્વજારોહણ સાથે સંતો-મહંતોની હાજરીમાં મેળાનો પ્રારંભ થયો છે. આ મેળો આજથી તારીખ 1ને શિવરાત્રિના દિવસ સુધી ચાલશે. પશ્ચિમ રેલવે દ્વારા મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે મુસાફરોની સુવિધા માટે ત્રણ જોડી ટ્રેનોમાં એક વધારાનો જનરલ કોચ અસ્થાયી રૂપે ઉમેરવાનો નિર્ણય કર્યો છે.
કોરોના મહામારીને કારણે સમગ્ર રાજ્યમાં ઉત્સવો મેળાના આયોજન પર પ્રતિબંધ હતો. જોકે, હાલ કોરોનાના કેસમાં ઘટાડો થતા બે વર્ષના લાંબા સમયગાળા બાદ રાજ્ય સરકારે ભક્તિ, ભોજન અને ભજનના ત્રિવેણી સંગમ સમાં મહાશિવરાત્રિ મેળો યોજવા છૂટ આપી હતી. જેથી આજથી જૂનાગઢ ખાતે ભક્તિભાવપૂર્ણ માહોલમાં પરંપરાગત મહાશિવરાત્રિ મેળાનો શુભારંભ કરવામાં આવ્યો છે.
મહાશિવરાત્રિ મેળાના શુભારંભમાં વર્ષો જૂની પરંપરા મુજબ આજે સવારે સંતો, મહંતો, મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવનાથ મંદિર ખાતે મહાદેવને ધ્વજારોહણ કરી ભક્તિભાવ સાથે મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. બે વર્ષ બાદ સંપૂર્ણ છૂટછાટ સાથે મેળો યોજાઈ રહ્યો હોય સમગ્ર દેશમાંથી ભાવિકો અને સાધુ, સંતો મોટી સંખ્યામાં ઉત્સાહભેર મેળો માણવા પહોંચી રહ્યા છે.
આ પાંચ દિવસીય મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટશે જેને લઈ તંત્ર દ્વારા તમામ સુવિધાઓ ઉભી કરવાની સાથે તૈયારીઓ કરવામાં આવી છે. આ મેળો શિવરાત્રીની રાત્રીના રવાડી નીકળ્યા બાદ પૂર્ણ થશે અને ત્યાં સુધી પાંચ દિવસ ગીરનાર સાનિધ્યે ભક્તિ, ભજન અને ભોજનનો ત્રિવેણી સંગમ યોજાશે.
ત્રણ ટ્રેનોમાં વધારાના કોચ લાગશે
પશ્ચિમ રેલવે દ્વારા મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે મુસાફરોની સુવિધા માટે ત્રણ જોડી ટ્રેનોમાં એક વધારાનો જનરલ કોચ અસ્થાયી રૂપે ઉમેરવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેકે જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર 09521/09522 રાજકોટ-સોમનાથ-રાજકોટ, ટ્રેન નંબર 09514/09513 રાજકોટ-વેરાવળ રાજકોટ અને ટ્રેન નંબર 19207/19208 પોરબંદર-સોમનાથ-પોરબંદર માં 26 ફેબ્રુઆરીથી લઈને 3 માર્ચ, 2022 સુધી વધારાનો એક જનરલ કોચ લગાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે હાલમાં રેલવે તંત્ર દ્વારા ટ્રેન નંબર 19119/19120 અમદાવાદ સોમનાથ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસમાં કાયમી ધોરણે બે વધારાના જનરલ કોચ ઉમેરવામાં આવ્યા છે, જે મુસાફરો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યા છે.
અન્ય સમાચારો પણ છે…