



ગત ફેબ્રુઆરી માસ ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાના કાળ સમાન બની રહ્યો અને આજે એ સ્થિતિ છે કે છેલ્લાં પાંચ દિવસથી ભાવનગર શહેર કે જિલ્લામાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી. ત્યારે કોરોનાની ત્રીજી લહેરનું ઓડિટ કરીએ તો ગત ફેબ્રુઆરી માસ કોરોનાની ત્રીજી લહેર માટે શમનનો માસ બની રહ્યો. જાન્યુઆરી માસમાં ભાવનગર શહેર-જિલ્લામાં કુલ 6977 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા જ્યારે ગત ફેબ્રુઆરીમાં તે જબ્બર ઘટીને માત્ર 612 થઇ ગયા હતા.
જાન્યુઆરી માસમાં ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાના રોજના એવરેજ કેસ 225 નોંધાયા તે ફેબ્રુઆરીમાં ઘટીને 22 થઇ ગયા . એટલે કે જાન્યુઆરીની તુલનામાં ગત ફેબ્રુઆરીમાં કોરોનાના કેસમાં 11 ગણો ઘટાડો નોંધાયો હતો. ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરમાં 2022ના પ્રથમ જાન્યુઆરી માસ કાળમુખો બની રહ્યો હતો. જુમાં કોરોના પીક પર હતો. 31 દિવસમાં કુલ 6977 કેસ નોંધાતા રોજની સરેરાશ 225 કેસની આવી હતી. તેની સામે ફેબ્રુઆરીના 28 દિવસમાં 612 કેસ નોંધાતા રોજની સરેરાશ 21.86 કેસની રહી હતી.
બીજી એક બાત નોંધપાત્ર દે છે કે જેવી શિયાળુ લગ્ન સિઝન 21 ફેબ્રુઆરીએ પૂર્ણ થઇ તેના બીજા જ દિવસથી ભાવનગરમાં કોરોનાના કેસોમાં પણ નોંધપાત્ર ઘટાડો શરૂ થઇ ગયો અને લગ્ન સિઝન પૂર્ણ થઇ અને સાથે કોરોનાની તૃતિય લહેરનું પણ શમન થયું. કોરોનામાં એક મહત્વની બાબત કેટલા દર્દી રોજ સાજા થાય છે તે હોય છે.
જાન્યુઆરી માસમાં કુલ 5568 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા એટલે કે રોજની એવરેજ 179.61 દર્દીની રહી હતી. જ્યારે ફેબ્રુઆરી માસમાં 28 દિવસમાં કુલ 1840 દર્દી કોરોનામુક્ત થતા રોજની એવરેજ 65.71 દર્દીની નોંધાઇ હતી. ફેબ્રુઆરીમાં રોજના 22 કેસ સામે 66 કેસ કોરોનામુક્ત થતા રોજ જેટલા નવા પોઝિટિવ કેસ મળે તેની તુલનામાં ત્રણ ગણા કેસ કોરોનામુક્ત થતા આખરે લહેર શમી ગઇ છે.