Suprabhat Saurashtra
Breaking News
અમદાવાદગુજરાત

કન્યાઓનો સર્વાંગી વિકાસ, તેમનાં શિક્ષણના અભિગમમાં પરિવર્તન અને લગ્ન વયમર્યાદામાં વધારો મહિલા સશક્તિકરણ લાવશે”

મહિલા લગ્ન વયમર્યાદામાં વધારો કરવા પાછળના સામાજિક ,આર્થિક અને કાનૂની પરિબળોનું તથ્યાત્મક વિશ્લેષણ

અમદાવાદ: 2019-2020માં જારી થયેલા વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ની ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ માં ભારતનો ક્રમ 112 હતો.આ અહેવાલમાં નોંધાયું છે કે ભારતમાં મહિલાઓ માટે આર્થિક ઉન્નતિની તકો મર્યાદિત છે.ભારત સરકારે ગત થોડા વર્ષોમાં આ ખાદ્ય પૂરી કરવા પ્રયાસો પણ કર્યા છે. એ પૈકીનો એક પ્રયાસ છે લગ્ન વયમર્યાદા 18 થી વધારીને 21 વર્ષની કરવાનો.થોડા સમય પહેલા જ કેન્દ્રીય કેબિનેટે આ પ્રસ્તાવને લીલીઝંડી આપી. તેના પાયામાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનો એક અગત્યનો અહેવાલ પણ સમાયેલો છે જેમાં સૂચન છે કે જો મહિલાઓની લગ્ન વયમર્યાદા વધારવામાં આવે તો સ્નાતક કક્ષાએ અભ્યાસ કરનારી કન્યાઓ ની સંખ્યામાં 5 થી 7 ટકા વધારો થઈ શકે. જોકે જેન્ડર ગેપ સિવાયના અન્ય મુદ્દા છે જેનું આ નિર્ણયમાં મહત્વનું યોગદાન રહેલું છે.આ મુદ્દાઓમાં મહિલાઓમાં સાક્ષરતાનું નીચું પ્રમાણ, બાળલગ્ન પ્રથા, બાળવયે પ્રજનન અને પ્રસૂતિ ,નાની ઉંમરે રોજગારીની ઓછી તકો અને પોષણનો અભાવ વગેરેને સાંકળી શકાય.
આ સુવિદિત સત્ય છે કે નાની ઉંમરમાં લગ્ન થવાથી માતા અને બાળક બન્ને પર જોખમ રહે છે.તાજેતરમાં થયેલા એક અભ્યાસ અનુસાર જેના બાળલગ્ન થયા હોય તેવી મોટાભાગની કન્યાઓમાં બાળજન્મ સંદર્ભે થતી આરોગ્ય સમસ્યાઓ,માનસિક વ્યાધિઓ, કુપોષણ, એનિમિયા,ચેપી રોગો, બાળજન્મ પછી વધુ પડતો રક્તસ્રાવ અને જાતીય રોગોનું વધતું જોખમ જેવી સમસ્યાઓ જોવા મળે છે.આ ઉપરાંત આવી “ બાલિકાવધૂ”માં બાળકના સમય પૂર્વે જન્મની આશંકા રહે છે તેમજ મતિમંદતા,વૃદ્ધિમાં મંદતા સહિતની આરોગ્યલક્ષી સમસ્યાઓ થવાની સંભાવના વધી જાય છે.પરિણામે બાળવયની માતાઓના બાળકોમાં મૃત્યુદર પણ ખુબ વધી જાય છે.આમ વહેલા લગ્ન એ માત્ર માતા જ નહીં બાળક માટે પણ જોખમી છે.
રાષ્ટ્રીય કુટુંબ આરોગ્ય સર્વેક્ષણના આંકડા અનુસાર બાળલગ્ન નિવારણ કાયદો -2006 ( પીસીએમએ) ના અમલીકરણ પહેલા બાળલગ્ન થયા હોય એવી કન્યાઓના લગ્નની સરેરાશ 58 ટકા જેવી હતી.જોકે આ કાયદો લાગુ થયા પછી યુનિસેફ દ્વારા વર્ષ 2020માં થયેલા સર્વેક્ષણમાં સિદ્ધ થયું કે આશરે 29 ટકા જેવી કન્યાના 18 વર્ષની વય પહેલા લગ્ન થઈ જાય છે.આવું થવા માટેના કારણોમાં વિવિધ પર્સનલ લો માં રહેલા અપવાદો,સામાજિક નિયમો, સાંસ્કૃતિક બંધનો વગેરે સમાવિષ્ટ છે.સમાજના કેટલાક ભાગોમાં પૈતૃસત્તાક માનસિકતાને કારણે દીકરીને બોજ ગણવામાં આવે છે પરિણામે વહેલા લગ્ન કરાવીને દીકરીને વળાવી દેવી એવો અભિગમ પણ જોવા મળે છે.ઘણા સમુદાયોમાં પર્સનલ લો બાળકીઓના લગ્નને અનુમતિ આપે છે પરિણામે “પીસીએમએ”નો અસરકારક અમલ થઈ શકતો નથી.આથી જ બાળકીના લગ્નની પ્રથાને દૂર કરવા તેમજ બાળવયે ગર્ભાધાનની સમસ્યાને નિવારવા બાળકીઓ પ્રત્યેનો અભિગમ બદલવાની અને કાયદાનો અસરકારક ,કડક અમલ કરવાની જરૂર છે.
વર્ષ 2017માં “ નેશનલ કમિશન ફોર ચાઇલ્ડ પ્રોટેક્શન”એ અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો જે આંખ ઉઘાડનારો છે.આ અહેવાલ અનુસાર ભારતમાં 15 થી 18 વર્ષની વચ્ચેની 39.4 ટકા કન્યાઓ ભણવાનું છોડી દે છે અને આ ભણવાનું છોડી દેનારી કન્યાઓ પૈકીની 64.8 ટકા કન્યાઓ ઘરકામ કરે છે,યા તો ભીખ માંગે છે અથવા તો તેમને પરણાવી દેવામાં આવે છે. વર્ષ 2018ના ડેટા પ્રમાણે ભારતનો મહિલા સાક્ષરતા દર 66 ટકા છે જે વૈશ્વિક સરેરાશ 82.65 ટકા કરતાં ઘણો ઓછો છે.સાક્ષરતાના નીચા દરની સાથે માધ્યમિક શિક્ષણ સુધીમાં અભ્યાસ છોડી દેનારી કન્યાઓનો દર ઘણો ઊંચો છે.દા.ત. વર્ષ 2017ના એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ ( રૂરલ) અનુસાર 32 ટકા કન્યાઓએ માઘ્યમિક શિક્ષણ લીધું ના હતું જ્યારે છોકરાઓમાં આ દર 28 ટકા હતો.આ બધી સમસ્યાઓ પાછળનું મોટું કારણ બાળવયે થતાં લગ્નો હોય છે.કાચીવયે આ લગ્નો એવા સમયે થાય છે જ્યારે કન્યાઓમાં હજુ પૂરી સમજણ વિકસી નથી હોતી અને આ વયે લગ્ન થવાથી આવનારી સમસ્યાઓથી તે વાકેફ નથી હોતી.
તાજેતરમાં “ નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન” ( NSSO) એ તેના 2017-18 ના સામયિક શ્રમ જૂથ સર્વેક્ષણના જારી કરેલા આંકડા અનુસાર ભારતના શ્રમિકોમાં મહિલાઓની ભાગીદારી 23.3 ટકા છે.વિશ્વમાં માત્ર 13 દેશો એવા છે જ્યાં મહિલા શ્રમિકો ભારતની સરખામણીમાં ઓછી છે.આમ, કન્યાઓમાં નીચો સાક્ષરતા દર, માધ્યમિક શિક્ષણનો ચિંતાજનક અભાવ અને શ્રમિક જૂથમાં સામેલગીરી દર્શાવે છે કે મોટાભાગની કન્યાઓના નાની વયે લગ્ન થઈ જવાના કારણે તેમના પર જ ઘરગૃહસ્થીની અને બાળકોને ઉછેરવાની જવાબદારી આવી પડે છે.આવું થવાનુ કારણ એ છે કે મહિલાઓમાં જાગૃતિનો અભાવ છે. સશક્તિકરણ શિક્ષણ થકી થાય છે અને શિક્ષણ તો જ સુલભ બને જો કન્યાઓને નાની વયે પરણાવી દેવાની માનસિકતા દૂર થાય. રૂઢિચુસ્ત સમાજોમાં એવું પણ જોવા મળ્યું છે કે બાળકો થયા પછી ભાગ્યે જ કન્યાઓને ભણવાનો અવસર મળતો હોય છે .આ માનસિકતામાં પણ બદલાવની જરૂરિયાત છે.
ગ્લોબલાઈઝેશન થીઅરીના જનક અને મોખરાના સમાજશાસ્ત્રી એન્થની ગીડન્સ કહે છે કે કામના સ્થળો પર મહિલાઓની વધતી ભાગીદારી સમાજને આપોઆપ દીકરીને મોટી ઉંમરે પરણાવવા પ્રેરશે. જૉકે વૈશ્વિક મેનેજમેન્ટ કન્સલ્ટિંગ કંપની ઝિન્નોવના સર્વેક્ષણ મુજબ ભારતમાં કોર્પોરેટ સેક્ટરમાં મહિલાઓનો હિસ્સો 30 ટકા છે જેમાં નોન ટેકનિકલ શ્રેણીમાં 31 ટકા અને ટેકનિકલ શ્રેણીમાં 26 ટકા હિસ્સેદારી છે માત્ર 13 ટકા મહિલાઓ કંપનીઓના બોર્ડમાં હિસ્સેદારી કરી રહી છે અને માત્ર 11 ટકા સિનિયર મહિલાઓ કોર્પોરેટ સેક્ટરમાં નેતૃત્વ કરી રહી છે.મહિલાઓ શિક્ષણ વ્યવસાય ક્ષેત્રે પણ ખુબ ઓછું પ્રતિનિધિત્વ ધરાવે છે.તાજેતરમાં ઉચ્ચ શિક્ષણ સંદર્ભે થયેલા એક દેશવ્યાપી સર્વેક્ષણ અનુસાર ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે માત્ર 42 ટકા પ્રાધ્યાપક મહિલાઓ કાર્યરત છે.આ તમામ બાબતોનો એક ઉપાય લગ્ન વયમર્યાદા વધારવાનો હોઈ શકે.
જોકે સરકાર ગમે તેટલા પ્રયાસો કરે,જ્યાં સુધી સમાજ તરીકે આપણે તેના આ પ્રયાસોમાં મદદ નહી કરીએ ત્યાં સુધી સફળતા નહી મળે.જ્યાં સુધી મહિલાઓની ભૂમિકા અને મહિલાઓના અભિગમ પરત્વે ઘડાયેલા “સાંસ્કૃતિક વિમર્શ” માં પરિવર્તન નહી આવે ત્યાં સુધી સરકારના પ્રયાસો સફળ નહી થાય. આ પરિવર્તન લાવવા માટે માળખાકીય સુવિધાઓમાં વધારો, શિક્ષણ વ્યવસ્થામાં પાયાનું પરિવર્તન અને મહિલાઓ તરફના દૃષ્ટિકોણને બદલતા અભ્યાસક્રમોનો સમાવેશ મહત્વના પરિબળો બની રહેશે.આવું થવાથી કન્યાઓને શિક્ષિત થવા વધુ પ્રોત્સાહન મળશે અને તેઓ રોજગારી પણ મેળવશે.જો આવું નહી થાય તો એક સમાજ તરીકે આપણે આપણી અર્ધી વસતીને અન્યાય કરતાં રહીશું.

संबंधित पोस्ट

સરકાર પાસે મદદની માગ: યુક્રેનમાં MBBS કરી રહેલા ભાવનગરના 3 વિદ્યાર્થીઓ ફસાતા વાલીઓ ચિંતિત બન્યા

Admin

લાંચિયા ઝડપાયા: સુરતમાં મીટર પેટી ફરીથી નાખવા 35 હજાર માગનારા નાયબ ઈજનેર,ઈલેક્ટ્રિક આસિસ્ટન્ટ સહિત 3 રંગેહાથ પકડાયા

Admin

ગુજરાતમાં ન્યૂઝરીચ લોકલ ન્યુઝ કોમ્યુનિટી પ્રોગ્રામના પ્રથમ તબક્કાનો પ્રારંભ,1 કરોડથી વધુની મદદ માટે તત્પર

Admin

યુક્રેનમાં ફસાયેલા સુરતના વિદ્યાર્થીઓમાં ડર: રાતે ઊંઘ નથી આવતી, હોસ્ટેલ મિલિટરી કેમ્પની નજીક હોવાથી બોમ્બ ધડાકાના અવાજથી જાગી જવાય છે

Admin

21 ફુટ ઉંચુ મહાશિવલીંગ: ભાવનગરમાં સૌપ્રથમવાર સવા બે લાખ પંચમુખી રૂદ્રાક્ષથી બનાવાયું 21 ફૂટ ઉંચું શિવલિંગ, ભક્તો માટે દર્શનાર્થે ખુલ્લું મુકાયું

Admin

વિદ્યાર્થીના પિતાની વ્યથા: ‘ગુજરાતના વિદ્યાર્થીઓએ એરપોર્ટમાં ચેકઇન કર્યું ને રશિયાના ડ્રોન વિમાનોએ બોમ્બ મારો કર્યો, 16 કલાકની મુસાફરી કરીને 700 કિમી દૂર હોસ્ટેલમાં પરત ફર્યા’

Admin